Thursday, February 25, 2010

એ આવશે...

      'વિજલાં.....'વિજયને કાને ફરી એજ અવાજ સંભળાયો,એ જમવા બેઠો હતો.એ વાયુવેગે ઉઠીને બહાર દોડ્યો.પરંતુ રસ્તો હજુય પહેલાં જેવોજ સૂમ-સામ હતો.દુનિયાં જાણે એનાં શોકમાં સામેલ હોય એમ બધું શાંત હતું,બપોર જાણે એનાં દુઃખનાં રોદણાં રડતી હતી......


     એ ફરી ઘરમાં આવ્યો અને જમવાં બેઠો,એની આજી(નાની)એનાં માટે જમવાનું લાવી હતી કોઇ ભાઠલાંને ત્યાંથી.ખોરાક સાવ ઠંડો હતો,પણ એ ઠંડો ખોરાક જાણે વિજયનાં બળતાં જીવને તાઢક આપતો હતો....!!!

    'કાં ગેલો?' બાજુમાં બેઠેલી આજીએ પૂછયું.

   'મને માઈ(મા)નો અવાજ હંભરાયો..'વિજય રડું-રડું થઈ ગયો.

   'તારી માઈ અવેની(હવે નહિ) આવે.'આજીનાં ચહેરાંપર જેટલી શુષ્કતાં દેખાતી હતી એટલીજ શુષ્કતાં એનાં દિલમાં પણ જણાંતી હતી.

  'કેમ???'વિજયનાં હાથમાંનો કોળિયો હાથમાંજ રહી ગયો.

  'એમજ' આજી ત્યાંથી ઊઠીને બહાર ઓટલાં પર ગઇ.

     વિજયને કંઇ સમજાતું ન હતું.એની મા બે દિવસથી લાપતા છે,પરંતુ ઘરનું કોઇ એની મા ને શોધતું નથી,જોકે બે દિવસથી ઘરમાં ખામોશી જરૂર હતી.પરંતુ બધાનાં કામો રાબેતાં મુજબ ચાલું હતાં.

    જમીને વિજય ફળિયાંમાં રમવાં નિકળી ગયો, રમતાં રમતાં આખું ગામ ખૂંદી આવ્યો,સાથે જ ઘરમાં સાંજ પણ લઇ આવ્યો.... રમતી વખતે એને એનું દુઃખ યાદ ન આવ્યું.કદાચ પ્રભુની બાળકો ઉપર એજ મ્હેર હશે!!

     ઘરમાં આજી ચૂલાંમાં ફૂંકણીથી ફૂંક મારીને ચૂલો સળગાવાનો પ્રયત્ન કરી રહી હતી અને આજા(નાના) કામેથી આવીને ઓટલે કાથીનાં ખટલાં પર પડ્યાં-પડ્યાં બીડી પીતાં હતાં.મામા હજુ આવ્યાં ન હતાં,ઓટલાને બીજે છેડે બે બકરીઓ પાલો ચરી રહી હતી.

       વિજય ઓટલાંનાં થાંભલા આગળ બેઠો,એની નજર સતત રસ્તા ઉપર મંડાયેલી હતી.ક્યાંક જરાય પગરવ સંભળાય એટલે એ સળવળતો પરંતુ પાછો થોડી ક્ષણોમાં નિરાશ થઇને સ્થિર થઇ જતો.એને મા વિના જરાય ગમતું ન હતું,પરંતુ એને મનમાં સવાલ ન થયો કે શું "મા ને મારા વિનાં ગમતું હશે???"

     વિજયને સાંજનો સમય જરાય ન ગમતો,સાંજ એને હંમેશા ડરામણી લગતી,અને હવે મા ના ગયા પછીતો ખુબજ...,જેવી સાંજ પડે કે જાણે એનાં પેટમાં અગ્નિ પ્રગટે જે રાત્રે એને ઊંઘ આવે ત્યાં સુધી એનાં પેટમાં સળગે.

      હવે લગભગ સાવ અંધારું પથરાયું હતું,નિશાચરો હવામાં આમ-તેમ હિલ્લોળા લેતાં હતાં,અને ક્યાંક કૂતરાં ભસતાં હતાં.બાકી બધે શાંતી હતી.સાંજનો સમય હંમેશા ગામમાં આવોજ હોય છે....

      વિજયને ખુબજ ડર લાગતો હતો.એને રડવાનું મન થયું પણ રડે ક્યાં???મા તો એની હતી નહિ.એને માની ખુબજ તીવ્રપણે યાદ આવવાં માંડી,મા ને જઇને વળગી પડવાની ઈચ્છા થઇ.પં એ લાચાર હતો.

    વિજયને ગૂંગળામણ થવા માંડી,જાણે એનો જીવ રુંધાતો હતો.

        એની આંખોમાં પાણી બાઝી ગયાં...હજુ એણે આંખો બંધ કરી ત્યાં દળ-દળ આંસુ પડ્યાં.હવેય એને ફરી મા સાંભરી,એ જ્યારે રડતો ત્યારે મા એને વ્હાલથી તેડી લેતી ને એના સાડીનાં છેડાં વડે એનો ચ્હેરો લૂછંતી....
  
      વિજયને એની મા ના ખોડામાંજ એ બેઠો છે એવો ભાસ થયો,એ થાંભલાને વળગી પડ્યો.જાણે માના જ ગળે બાઝી પડ્યો હોય..!!થાંભલાને એણે વધુ ભિંસમા લીધો.થાંભલાની સખતાઈ હોવા છતામ એને મા જેવો નરમ-હૂફાળો અનુભવ થયો...

      'માઈ......'એનાં મોં માંથી ઉદગાર નીક્ળ્યો.

    ખાટલા પર સૂતેલાં એના આજાને એ સંભળાયું,ડોસો ખટલામાં જ થોડો સળવળયો.એણે જોયુ કે વિજય થાંભલાંને વળગીને રડતો હતો..ડોસાને વિજય પર દયા આવી.આજો ખાટલેથી ઉઠી ને વિજય પાસે આવ્યો.

   'વિજલાં...!!!'આજાએ એના માથે હાથ ફેરવ્યો.

    વિજય આજાને વળગી પડ્યો અને ધ્રુસ્કે ચ્ઢ્યો.આજો એને પસવારવા માંડયો.વિજયને જાણે થોડી રાહત થઈ.જોકે એ હાથોમાં મા ન જેવો જાદુ તો ન જ હતો!

   'આજા'વિજયે આજાન મો તરફ જોયુ.'મા...ઇઇઇ..??' અણે પ્રશ્ન કરયો.

     'મારા દિકરાં.....'આજો વિજયને રડતો જોઈ ન શક્યો.એની વ્રુધ્ધ આંખો માંથી પણ પાણી સર્યા.

    'આજા માઇ કાં ગેઈ(ગઈ)?? ક્યારે આવહે(આવશે)??'

   'તારી માઇ નાહી ગેઇ...અવે ની આવે..'આજાના ચ્હેરા ઉપર શુષ્કતાં પથરાય.

   'કેમ કાં નાહી ગેઈ???'

   'એનાં માટી હાથે...તારા હાવકા બાપ હાથે..'આજાના શબ્દોમાં હવે કડકાઈ આવતી હતી.વિજયને આજાની વાતમાં સમજણ પડતી ન હતી..

  'મને કેમ મુકી ગેઇ..??'

   'તારી માઇને તારા કરતા એ વધારે વાલો(વ્હાલો) એટ્લે....સાલી રાં...'આજાએ વિજયની મા ને ગાળ દીધી.

  '...........'વિજયે આજાની આંખોમા જોયુ..એને આજાએ શું કહ્યુ એ નઇ સમજાયું પણ આજાએ મા ને ગાળ દીધી એટલે એણે જોયું.

   'જાવાદે દિકરાં,તને અમણાં હમજ ની પડે.'આજા એ વિજયનાં મોઢે હાથ ફેરવ્યો,એનાં આંસુ લૂછ્યાં ને આજાએ એની ફટેલી બંડી વડે વિજયની શરદી લૂંછી.

   વિજયને ફરી રડું આવ્યું.

   'ચાલ દિકરાં રડ નો....'

   'માઇ પાછી આવહે..???'વિજયે ફરી પ્રશ્ન કર્યો.

    'ની......'આજાએ કહ્યું.

   વિજય અને અજા બન્ને ચૂપ થઈ ગયાં.

   વિજયે રડી લીધુ તો જાણે એને શાંતી થઇ.

   અંદરથી કામ પતાવીને આજી પણ બહાર આવી,આજા-દિકરા ને બેઠેલાં જોઇ એ પણ એમની બાજુમાં બેઠી.આજીએ વિજયનાં માથે હાથ ફેરવ્યો.એનેય દિકરા ની આ સ્થિત માટે દયા આવી.એને પોતાની જ દિકરી માટે દ્રુણા થઈ.

   'ચાલ દિકરાં આપણે ખાઈ લેયે......'

  'મામો??'વિજયે એનાં મામા વિશે પૂછયું.

  'મામો આવીને જમી લેહે..એને આવતાં રાત થાહે..'

   ત્રણેય જણાં ઓટલેથી ઊભા થયાં અને અંદર તરફ ડગ માંડ્યાં.વીજયે પાછુમ ફરીને રસ્તાં તરફ જોયું,પણ ત્યાણ કોઇ ન હતું.એને હજુય દિલનાં એક ખુણાંમાં આશા હતી કે હજુય મા આવશે.

   'દેવલાં(ભગવાન)મારી માઇને પાછીમોકલજે'વિજયે મનોમન ઇશ્વરને પ્રાર્થના કરી.એણે ફરી પાછળ જોયું.પણ ત્યાં કોઇ ન હતું.એની નજર ઓટલાને છેવાડે બાંધેલી બકરી એનાં બચ્ચાંને ચાટી રહી હતી.....

 
 
 
 
  આજે પહેલી વખત હું બ્લોગ પર "વારતા" મુકું છું. લાંબું લખાણ હોવાને કારણે ટાઈપ કરવાનો ખુબ કંટાળો આવ્યો."વારતા" લેખન દરમ્યાંન મને શ્રી કાંતી વાછાણી, તેમજ ટાઈપીંગ દરમ્યાંન નીતા કોટેચા દ્વારા ઉત્સાહ મળ્યો એ બદલ હું બન્નેનો આભારી છું.




 
 

Saturday, February 13, 2010

હવે કદાચ વાઘ નહિ આવે...

આપણી એક પ્રચલિત બાળવાર્તા છે,જેમાં એક ભરવાડ એનાં બકરાંને ચરાવવા રોજ સીમમાં જાય.ભરવાડનો સ્વભાવ થોડો રાખી સાવંત જેવો હશે એટલે એને ટિખળ સૂઝે અને સ્વયંવરની જેમ એ પણ અમસ્તીજ બૂમો પાડે કે "વાઘ આવ્યો.... વાઘ આવ્યો..." ભરવાડની બૂમો સાંભળી ગામલોકો વાઘને મારવા આવી પહોંચે છે,પણ વાસ્તવમાં ત્યાં વાઘ આવેલો ન હતો.બીજી વખત પણ ભરવાડભાઈએ એવુંજ કર્યુ અને ગામલોકોને અમસ્તાંજ દોડાવ્યાં.



પછી એક વાર એવું બને છે કે ભરવાડભાઈ એમનાં નિત્યક્ર્મ મુજબ બકરાં લઇને નિકળે છે અને ત્યાં એને સાચેજ સક્ષાત વાઘનાં દર્શન થાય છે,ભરવાડભાઈ વાઘને જોઈ ફરી બૂમો પાડે છે પણ ભરવાડભાઈનાં પાછલા રેકોર્ડને કારણે આ વખતે લોકો આવતા નથી.... પછી...???પછી શું???પછી ભરવાભાઈ બૂમો પાડતાજ રહી જાય છે અને વાઘ એકાદ બકરીનો હળવો નાસ્તો કરીને પોતાના રસ્તે પડે છે.


ઊપરની વાર્તામાં ત્રીજી વખત વાઘ આવે છે,પરંતુ હવેનાં અનુંસંધાનમાં જોઈએ તો કદાચ વાઘ આવવાનાં ચાન્સ ઓછા છે.કરણકે વાઘ હવે રહ્યાં જ છે કેટલાં??? "૧૪૧૧...." સાવ નજીવી સંખ્યા...!!હવે થોડાં વર્ષો પછી કદાચ ભરવાડ બૂમો પાડે તો લોકો ઉત્સુકતાથી બધા કામો પડતા મુકીને દોડતા આવશે કે "ચાલો જોઇએ તો ખરાં વાઘ કેવો હોય!!"


કેટલી શરમજનક વાત છે,દેશની એક અબજ વસ્તીમાં માત્ર ૧૪૧૧ વાઘ?વાઘને રાષ્ટ્રીય પ્રાણી ઘોષીત કરીને છટકી ગયાં,બસ વાર્તા પૂરી.વાઘની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો કેમ થાય?વાઘનાં મરવાં પાછળનાં કારણો કયાં?કંઇજ દરકાર નથી રાખી આપણે...વાઘની ઘટતી સંખ્યા પાછળ સ્વાઈનફ્લૂ કે એઈડ્સ તો જવાબદાર ન જ હોય ને??


તો વાઘ ગયાં કયાં?અને કોણ છે જવબદાર એની પાછળ?અને શું એ જવાબદારો પાછળ કોઇ નક્ક્ર્ર પગલાં ભરાય છે?ઘણાં સવાલો ઊઠે છે,પણ એકનોય જવાબ નથી.સરકાર "સેવ ટાઈગર" ની ઝુંબેશ ચાલાવે છે,પણ નથી તો એ વાઘનાં ખરાં દુશ્મનોને ઝબ્બે કરતી કે તેમને પકડવાનાં પ્રયાસો કરતી...


ખેર,સરકાર કહે છે કે બ્લોગ અને એસએમએસ વડે વાઘની આ કફોડી હાલત વિશેનો પ્રચાર-પ્રસાર કરો અને લોકોમાં જાગ્રુતિ આણો,એટલે સરકારે કહ્યું અને મને યોગ્ય લાગ્યું એટલે મેં બ્લોગ પર કહ્યું,આ તો ખો-ખો ની રમત જેવું છે.હુ તમને ખો આપું છું,તમે કોને આપશો???બોલો આથી વિશેષ આપણે કંઈ કરી શકીશું???

Wednesday, February 10, 2010

વ્હાલી રાધા,


તું કુશળજ હશે.........

આજે તને "કાગળ" લખવાનું મન થયું... હમણાં તારી યાદ બહું આવે છે,એક તો વસંત મ્હોરી છે ને બીજી તરફ "વેલેન્ટાઇન ડે" નજીક છે.. પછી તું જ કહે આવી મોસમમાં તું યાદ ન આવે તો કોણ યાદ આવે???

જોકે રાધા તું તો મને દરેક મોસમમાં જ યાદ આવે,ક્યારેક એકાદ વરસાદનું ઝાપટું આવે કે તું મને વરસાદ થઈ ભિંજવે,ને શિયાળામાં રોજ તું સાંજ બનીને મને પજવે.એટલે તારા ભુલાવાનો તો કોઇ સવાલ જ નથી..

છતાં હમણાં તું કંઈક વિશેષ યાદ આવે છે,અને આમેય તારી યાદ સિવાય મારી પાસે બીજું છે પણ શું???તૂં પ્રત્યક્ષ તો નથી જ ને!!ક્યારેક થાય છે આ તે કેવો પ્રેમ??જેમાં પ્રત્યક્ષ મળવાનું હોતું જ નથી.....!!!માત્ર વિરહજ??? હશે,કદાચ પ્રેમ એનેજ કહેવાતો હશે..

પણ રાધા,આપણાથી નથી મળાતું એ જ સારું પણ છે.કારણકે આ દેશમાં તો પ્રેમીઓ ને હડધૂત કરાય છે.. અરે ખુલ્લેઆમ પિટવામાં આવે છે પ્રેમીઓ ને અહીં....તારે જોવું હોય તો જોઈ લેજે "વેલેન્ટાઇન ડે" ના દિવસે,પ્રાણીઓ ની જેમ માર મારવામાં આવશે એમને...અહિં બધા ધર્મનાં ઊપાસકો ને રક્ષકો ઘણાં છે..એટલે એમની સંસ્ક્રુતીની રક્ષા કરવાંમાટે રસતાઓ પર ઘણાં સ્વયંસેવકો ઉતરી આવશે..

તો બીજુંતો શું કહું???તને યાદ કરીને તને પત્ર લખવાં ગયો ત્યાં બીજુંય ઘણું યાદ આવી ગયું ને મન ખાટું થઈ ગયું..જવાદે હવે તને નથી લખવું....કદાચ હજુ કંઈ લખવાં જઈશ ત્યાં બીજું જ લખાશે....

તારો જ વ્હાલો,

રાધાવિનાંનો....