Saturday, November 8, 2014

સ્થાપિત થવા કરતા કામ કરવામાં માનતા સંગીતકાર

ગુજરાતીઓને મેહુલ સુરતીની ઓળખાણ આપવાની જરૂર નથી. સંગીત પ્રત્યેના તેમના પ્રેમ અને પરિસ્થિતિઓને થોડી જુદી રીતે મુલવવાના તેમના દૃષ્ટિકોણથી તેમણે ગુજરાતી સંગીતને એક નવી દિશા આપી છે. આ જવાદિલ સંગીતકારે ગુજરાત તેમજ ગુજરાતની બહાર પોતાના નામનો ડંકો વગાડ્યો હોવા છતાં તેમણે તેમના મૂળિયાં છોડ્યાં નથી. અસલ સુરતી સ્વભાવના મેહુલ ધાણીફૂટ સુરતી બોલે છે. એટલે તેમના સંગીતની સાથે તેમને બોલતા સાંભળવા એ પણ લહાવો છે! તેઓ ફૂડ લવર છે અને ટેક્નોસેવી છે.  ઉપરાંત તેઓ બાઈકિંગ અને કાર્સનો પણ શોખ ધરાવે છે. જોકે આ બધા શોખમાં તેઓ સૌથી પહેલી પ્રાથમિકતા સંગીતને જ આપે છે કારણ કે, સામાન્ય માણસ માત્ર સંગીત સાંભળીને આનંદ લેતો હોય છે ત્યારે મેહુલ સુરતીને તો સપનાંની જેમ સૂરો આવે છે! તેઓ સુરતમાં બે સ્ટુડિયો ધરાવે છે, જેમાં 5.1 સરાઉન્ડ સાઉન્ડ ફિલ્મ મિક્સ થઈ શકે છે. ‘ગુજરાત ગાર્ડિયન’એ તેમના સ્ટુડિયોની મુલાકાત લઈને તેમની સાથે તેમના સંગીત વિશેની કેટલીક વાતો કરી હતી, જેના કેટલાક રસપ્રદ અંશો અહીં પ્રસ્તુત છે.


કઈ રીતે શરૂ થઈ તમારી સંગીત યાત્રા?

મારા મમ્મીને એવી ઈચ્છા કે હું કંઈક ઈતર પ્રવૃત્તિ કરું. એટલે એમના પ્રોત્સાહનથી મેં સાત વર્ષની ઉંમરથી છોટુભાઈ પટેલ નામના સંગીત શિક્ષક પાસે સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું. મેં કિરાના ઘરાના સંગીતની તાલીમ લીધી છે. ઈતર પ્રવૃત્તિઓમાં સામાન્ય રીતે એવું થતું હોય છે કે વાલીઓ માત્ર શોખ ખાતર અથવા બીજાને જોઈને પોતાના બાળકોને ઈતર પ્રવૃત્તિઓમાં ઘકેલી દેતા હોય છે. એટલે બાળક કોઈ પણ પ્રવૃત્તિમાં છએક મહિનાની તાલીમ લે ન લે એટલામાં તેને સર્ટિફિકેટ મળી જાય અને બીજા વર્ષે બાળક કોઈ બીજી પ્રવૃત્તિ કરે! પરંતુ મારા મમ્મીનો અભિગમ એવો હતો કે જ્યાં સુધી હું સંગીતમાં પાવરધો નહીં થાઉં ત્યાં સુધી મારે સંગીતની સાધના કરતા રહેવું. આમ, ધીમેધીમે હું ગાયકી શીખતો ગયો. બીજી તરફ મારા સંગીતના શિક્ષક પણ ઘણાં ચીવટવાળા એટલે તેઓ મને કહે કે, ‘તારે માત્ર ગાયન જ નહી પરંતુ વાદન પણ શીખવું જોઈએ.’ એટલે મેં હાર્મોનિયમ વગાડવાનું શરૂ કર્યું. મારા સાહેબ મને કહે ગાયન-વાદનની સાથે નર્તન પણ શીખવું જરૂરી છે. અહીં નર્તનને નૃત્યના સંદર્ભમાં નહીં પરંતુ તાલના સંદર્ભમાં ગણવું. એટલે મેં તબલા વગાડવાનું પણ શરૂ કર્યું. આ તાલીમને કારણે ઘણી નાની ઉંમરથી મને સુર-લય અને તાલમાં ફાવટ આવવા માંડેલી.

ઘણી વાર મને પણ થાય છે કે મારામાં આ આવડત આવી ક્યાંથી? પણ વર્ષો પછી ત્રણ ફિલ્મો, દોઢ હજાર જેટલી એડ્સ તેમજ આટલા બધા નાટકોમાં સંગીત આપ્યાં પછી મને સમજાયું છે કે, સંગીતકાર તરીકેની જે બેસ્ટ બાબતો હું શીખ્યો છું એના મૂળિયાં મારી સ્કૂલના વર્ષો સાથે સંકળાયેલા છે. સ્કૂલના વાર્ષિક મહોત્સવમાં જે ગરબાની કૃતિ રજૂ થાય એમાં હું ગાતો અને વગાડતો. ગરબાનો નિયમ એવો કે સ્ટેજ પર બધા વિદ્યાર્થીઓ એન્ટ્રી લેવાનું શરૂ કરે પછી તેમનું આખું સર્કલ પૂરું નહીં થાય ત્યાં સુધી અમારાથી ગરબો શરૂ નહીં થાય. પણ મંચની બંને તરફથી આવતા વિદ્યાર્થીઓ સર્કલ પૂરું નહીં કરે ત્યાં સુધી કંઈક તો વગાડવું જ પડે ને? એટલે અમે કોઈક ધૂન વગાડતા અને એટલા સમયમાં પેલા વિદ્યાર્થીઓ તેમનું સર્કલ પૂરું કરતા. દર વખતે ત્રણ-ચાર મિનિટ સુધી એકનું એક મ્યુઝિક આપવામાં મને મજા નહીં આવે. એટલે મોનોટોની તોડવા માટે હું વિવિધ ધૂન ટ્રાય કરતો અને મારી કૃતિની નવીનતા જાળવી રાખતો. બોસ, મને એવું લાગે છે કે, મ્યુઝિકમાં મારું ઈમેજિનેશન જ અહીંથી શરૂ થયું હતું.

પછી તો મેં ગુજરાત સરકારના યુવક મહોત્સવોમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું. એવા એક યુવક મહોત્સવમાં મેં ગુજરાતી સુગમ સંગીતની એક કૃતિ ગાયેલી. પરંતુ મરીઝની એ કૃતિ સુગમ સંગીત કરતા ક્લાસિકલ વધુ લાગતી હતી. આથી એક નિર્ણાયકે મને સલાહ આપી કે તું ગુજરાતી સુગમ સંગીત શીખ. સાચું કહું તો ત્યાં સુધી સુગમ સંગીત એટલે શું એ વિશે મને કંઈ જ ખબર ન હતી. પરંતુ હું ધીમે ધીમે બધુ સાંભળતો ગયો અને શીખતો ગયો. એ જ રીતે નાટકનું ક્ષેત્ર પણ મારા માટે નવું હતું પરંતુ મને નાટકમાં સંગીત આપવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે મેં એ પણ સ્વીકાર્યું અને પડકારના ભાગરૂપે નાટકોમાં સંગીત આપવાનું પણ શરૂ કર્યું. પછી તો એડ્સના ઝિંગલ તૈયાર કરવા માંડ્યો અને મારે ભાગે ફિલ્મોમાં સંગીત આપવાની જવાબદારી પણ આવી.

તમે પહેલું કમ્પોઝિશન ક્યારે કરેલું?

હું યુવક મહોત્સવમાં ભાગ લેતો ત્યારથી જ ગીતો કંપોઝ કરતો થઈ ગયેલો. સૌથી પહેલા મેં મનહરલાલ ચોક્સીની ગઝલ ‘મળતા નથી એ વાતની ફરિયાદ પણ નથી’ને કંપોઝ કરેલી. જોકે ત્યારે મને એ ખબર ન હતી કે મનહરલાલ ચોક્સી પણ સુરતના છે. તેઓ મુકુલભાઈના પિતા છે એ વાતની જાણ તો મને બહું જ પાછળથી પડેલી. કમર્શિયલ કમ્પોઝિશનની વાત કરું તો ઠંડુ પીણું બનાવતી એક કંપની માટે મેં એક ઝિંગલ તૈયાર કરેલી છે, જે સ્થાનિક માધ્યમોમાં ઘણી હિટ પણ રહેલી!

ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપવાની શરૂઆત ક્યારે કરી?

મેં નાટકોમાં સંગીત આપવાનું શરૂ કર્યું એના થોડા જ સમયમાં મારી કપિલદેવ શુક્લ સાથે ઓળખાણ થઈ.
તેમની સાથે મેં સૌથી પહેલા ‘તિરાડે ફૂટી કૂંપળ’ નામનું નાટક કરેલું. એ પછી કપિલભાઈએ ‘પ્રિય પપ્પા હવે તો’ નામનું એક મ્યુઝિકલ પ્લે તૈયાર કર્યું. કવિ મુકુલ ચોકસીએ એમાં મજાના ગીતો લખેલા અને મેં એનું સંગીત તૈયાર કરેલું. આ નાટક પછી જ મારી અને મુકુલભાઈની જોડી જામેલી, એ આજ દિન સુધી બરકરાર છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ વર્ષ ૧૯૯૯ મેં નાટકના ગીતોની ઓડિયો સીડી તૈયાર કરેલી. ત્યારે મારી ઉંમર વીસ વર્ષની હતી. એવામાં થયું એવું કે કે.કે(કૃષ્ણકાંત) એ નાટક જોવા આવેલા અને તેમણે મારું મ્યુઝિક સાંભળેલું. તેઓ તે સમયે ‘નર્મદા તારા વહી જતાં પાણી’ નામની ફિલ્મ તૈયાર કરી રહ્યા હતા. એટલે તેમનો મારા પર ફોન આવ્યો અને તેમણે મને પૂછ્યું કે, ‘તમે મારી ફિલ્મમાં સંગીત આપશો?’ મેં તેમને કહ્યું કે ફિલ્મનું સંગીત કઈ રીતે તૈયાર કરી શકાય એ વિશેનો કોઈ ખ્યાલ પણ નથી. પણ કે.કે સાહેબ કહે આપણે એક વાર મળીને વાતો કરીએ. એટલે અમે મળ્યાં. થોડી મુલાકાતો પછી તેમણે મને વિવિધ સિચ્યુએશન્સ સમજાવી અને હું કે.કેની ફિલ્મમાં સંગીત આપવા તૈયાર થયો. ત્યાર પછી તો મેં ‘કેવી રીતે જઈશ’ અને તાજેતરમાં જ રિલીઝ થયેલી ‘આપણે તો ધીરુભાઈ’ ફિલ્મમાં પણ સંગીત આપ્યું.

મ્યુઝિક પ્રત્યેનું આ પેશન આવ્યું ક્યાંથી?

મારા પિતાથી લઈને મારા મામા સુધીના મારા અનેક સંબંધીઓ વ્યવસાયે ડૉક્ટર છે. પરંતુ એક માત્ર હું જ એવો, જે સંગીત સાથે એટલે કે કલા સાથે સંકળાયો! સંગીતમાંથી મને લખલૂટ આનંદ મળે છે. એ આનંદ અવ્યક્ત છે. એને હું શબ્દોમાં નહીં સમજાવી શકું. આ એવો આનંદ છે, જેના માટે તમારે કોઈને કંઈ ચૂકવવું નથી પડતું. તેમજ આ આનંદ બીજા માટે પણ હાનિકારક નથી. બલ્કે હું તો એ કહીશ કે સંગીતની કલા એવી કલા છે કે એના દ્વારા તમે બીજાને પણ આનંદની ભેટ આપીને કોઈકની ઉદાસ ક્ષણોમાં રંગો ભરી શકો છો.  મને સંગીતની સાધના યોગની સાધના કરવા જેવી લાગી છે. આને પેશન કહેવાય કે કેમ એ મને નથી ખબર પણ હું બસ આનંદની સાધના કરું છું. મ્યુઝિકની સાથે મને ગેજેટ્સનો પણ જબરો શોખ છે અને એટલે જ મેં મારા બે સ્ટુડિયોમાં એકથી એક ચઢિયાતા સાધનો વસાવ્યા છે.

તમને ટ્યુન ક્યાંથી સૂઝે? તમારી સર્જન પ્રક્રિયાના તબક્કા કેવા હોય?  

એ વિશે કંઈ જ નહીં કહી શકાય. ટ્યુનનું તો એવું છે ને કે એ ગમે ત્યારે અને ગમે ત્યાં સૂઝે. મારા કિસ્સામાં તો હું ઈશ્વરની કૃપા જ માનું છું કે મને સતત કંઈ ને કંઈ સૂઝતું જ રહેતું હોય છે. તમે મને કોઈ પણ લાઈન આપો તો હું તમને એની ટ્યુન તૈયાર કરી આપીશ. એના પુરાવા માટે તમે મારા અથવા મારી પત્ની(નૂતન સુરતી)ના મોબાઈલ ચકાસસો તો તમને બપોરે એકના કે મળસ્કે ચાર વાગ્યાના અથવા ચોવીસ કલાકમાંથી કોઈ પણ સમયના રેકોર્ડિંગ્ઝ જોવા મળશે. મને જેવું કંઈક સૂઝે એટલે હું એને તરત રેકોર્ડ કરી લઉં અને પછી એના પર કામ શરૂ કરું અને પછી એના પરથી આખુ ગીત તૈયાર કરું. મારા મ્યુઝિકમાં ટ્યુન તૈયાર થતાં બહુ વાર નથી લાગતી પરંતુ એને લોકો સુધી પહોંચાડવા અથવા લોકભોગ્ય બનાવવા જે મોડિફિકેશન કરવું પડે એમાં બહુ વાર લાગે. હું ઊભડક કામ કરવામાં નથી માનતો. હું માનું છું કે જેટલું વધુ પોલિશિંગ થાય એટલું વધુ સારું એટલે હું મારી ટ્યુનને વધુ ને વધુ સમય આપવાનો પ્રયત્ન કરું છું.

જોકે એવું પણ નથી કે દરેક ગીતને આટલો બધો સમય આપવામાં આવે. કેટલીક વખત ડેડલાઈન અત્યંત ટૂંકી હોય છે. મેં નજીવા કલાકોના સમયગાળામાં પણ મ્યુઝિક તૈયાર કર્યું છે. ટૂંકી ડેડલાઈનનો પડકાર ઝીલવાની પણ એક અલગ મજા છે. ધારોકે બપોરે એક વાગ્યે મારા પર ફોન આવે કે, ‘તમે સાંજ સુધીમાં ગીત આપી શકશો?’ એટલે હું તેમને હા પાડું અને તરત રઈશ મનીઆરને ફોન કરું. તેમને જો ફાવતું હોય તો તેઓ અઢી વગ્યા સુધીમાં મને ગીત લખી આપે અને હું મારી પાસે ઉપલબ્ધ ગાયકો પાસે ગીત ગવડાવીને રેકોર્ડિંગ શરૂ કરાવી દઉં. ત્યાર પછી તરત હું એડિટિંગ તેમજ મ્યુઝિક એરેન્જમેન્ટ્સ શરૂ કરી દઉં અને સાંજે છ-સવા છની આસપાસ પાર્ટીને ગીત પહોંચતું કરું! આ રીતે મેં અનેક વખત મ્યુઝિક તૈયાર કર્યું છે. પરંતુ સારા ગીતોને અથવા જેને આપણે લોંગ લાસ્ટિંગ કહી શકીએ એવા ગીતોને હું પૂરતો સમય આપું છું. જોકે, એવા ગીતોને હું સમય નહીં પરંતુ હું તેમને મારી જાત આપી દઉં છું!

તમે ટ્યુન પરથી ગીત તૈયાર કરો કે ગીત પરથી ટ્યુન?

હું બંને રીતે કામ કરું. પરંતુ અંગત રીતે હું એવું પસંદ કરું કે મને લિરિક્સ પહેલા મળે. સંગીતકાર તરીકે મારે કવિની વિચારશીલતા અથવા કલ્પનાને એક અલગ તબક્કા પર લઈ જવાની હોય છે. હું આને મોટી જવાબદારી માનું છું. વળી, ગાયક એ ગીત ગાઈને અમારી મહેનતને કોઈ અલગ મુકામ પર લઈ જાય છે! એટલે આ આખી પ્રક્રિયા જ મને અદભુત લાગે છે. એટલે તમારી પાસે ગીત અથવા ગઝલ તૈયાર હોય અને તેના પરથી ધૂન તૈયાર કરવાની હોય તો એનો નશો જ કંઈ અલગ હોય છે! જોકે, ઘણી વાર એવું પણ બને કે ગીતકાર અને સંગીતકાર સાથે બેસીને પણ કામ કરે અથવા કોઈ વાર મારી પાસે ટ્યુન તૈયાર હોય અને એના પરથી ગીતકારો મને ગીત લખી આપે.

સંગીતકાર તરીકે સ્થાપિત થવા માટે તમારે કયા પ્રકારના સંઘર્ષનો સામનો કરવો પડ્યો?

સંઘર્ષ તો હું હજુ પણ કરી રહ્યો છું. પણ મારો સંઘર્ષ સ્થાપિત થવા માટેનો નહીં પરંતુ નવું જાણવાનો અને કંઈક નવું કરવા માટેનો છે. હું સતત મારી સમજણશક્તિ કેળવવાનો પ્રયત્ન કરતો રહું છું. હું મારા લિરિક્સ અથવા પોએટ્રીને વધુ ને વધુ ઊંડાણમાં સમજીને સંગીતના માધ્યમથી તેને યથાયોગ્ય ન્યાય આપવાના પ્રયત્નોમાં ગળાડૂબ રહું છું. હું નાનો હતો ત્યારે કેટલીક સ્થાપિત હસ્તીઓને ‘મૈં અભી ભી શીખ રહા હું’ એમ કહેતા સાંભળું એટલે મને થતું કે યાર આ કેમ આવું બોલે છે? પરંતુ આજે મને સમજાય છે કે પૂરા સમર્પણ સાથે તમે કોઈ પણ વિષયમાં ઊંડા ઉતરો પછી એ વિષયને આત્મસાત કરવાની તમારી ઈચ્છા વધુ ને વધુ બળવત્તર થતી જાય છે. મને સ્થાપિત થવા કરતા મારા ક્ષેત્રમાં સુંદર કામ કરવામાં વધુ રસ છે.

અમદાવાદ કે મુંબઈમાં નહીં અને સુરતમાં આવો અદ્યતન સ્ટુડિયો તૈયાર કરવામાં તમને કોઈ ભય ન લાગ્યો?

સુરતમાં મારી પાસે એક નહીં પરંતુ બે સ્ટુડિયો છે. અને બંને સ્ટુડિયોમાં એકદમ લેટેસ્ટ ટેક્નોલોજીના ગેજેટ્સ અને વાદ્યો છે. બોસ, આ દુનિયાનો એક નિયમ છે કે તમે ગભરાશો તો તમારાથી કોઈ કામ નહીં થાય. પરંતુ જેણે કંઈક કરવું જ હોય એને તેને ગમતું મળી જ રહેતું હોય છે. આખરે તમારું કામ પણ તમારી ઓળખ હોય છે. એટલે આવા સમયે તમે કયા શહેરમાં છો એ મહત્ત્વનું નથી હોતું. કદાચ એટલે જ અમદાવાદ-મુંબઈથી માણસો અહીં આવે છે અને મારી પાસે તેમને જોઈતું કામ કરાવી જાય છે! હું અમદાવાદ અથવા મુંબઈમાં હોત તો આજે હું કદાચ કંઈક અલગ હોત એ વાત સાચી. પરંતુ મારી સ્થિતિ અને સંજોગોને કારણે મેં સુરતમાં રહીને જ કામ કરવાનું પસંદ કર્યું.

યાર, બીજું  એ કે મને આ શહેરનું સખત વળગણ છે. મારો મૂળભૂત સ્વભાવ સુરતી છે. તમે માનશો નહીં પણ મૃત્યુ પછી હું ભૂત થઈને સુરતમાં ભટકીશ! ગાંધી સ્મૃતિ પર જઈશ, ચોક પર જઈશ અને લોચાની લારીઓ પર પણ જઈશ! જોકે એવુંય નથી કે કોઈ જડની જેમ હું માત્ર અહીંની જ રટ લઈને બેસી રહું. ક્યારેક કોઈ મોટા ગાયકો પાસે ગવડાવવાનું હોય તો પ્રોડ્યુસરના પૈસા બચાવવા માટે હું અમદાવાદ-મુંબઈ પણ જઈ આવું. પણ હા, ત્યાર પછીનું પ્રોડક્શનનું બધુ કામ હું સુરતમાં કરું. કારણ કે મારી પાસે જે સ્ટુડિયો છે એમાં ફિલ્મ અને મ્યુઝિકના એડિટિંગ માટેની અતઃથી ઈતિ સુધીની સુવિધા ઉપલબ્ધ છે.

તમને કયા પ્રકારનું સંગીત ફાવે? 

મને તો બધુ જ પ્રિય. સંગીત શબ્દ અને તેની સાથે સંકળાયેલી તમામ બાબતો મને પ્રિય છે. મારો કોઈ ચોક્કસ પ્રકાર નથી કે, ભાઈ આપણને તો આ જ પ્રકાર ફાવે કે આપણે આમાં જ કામ કરી શકીએ. હું સંગીતના દરેક પ્રકારમાં કામ કરી શકું છું. હા, જોકે એ ખરું કે મારી ફાવટ અને આવડત મુજબ હું દરેક પ્રકારમાં જુદા જુદા પ્રકારે કામ કરું છું. ધારોકે મારે લોકસંગીતમાં કામ કરવાનું હોય તો એ પ્રકારની જાણકારી મને બીજા પ્રકારો કરતા થોડી ઓછી છે, પરંતુ એ માટે હું એ કામ નહીં કરું એવું તો ન જ બને. આ માટે હું સૌથી પહેલા જે-તે ક્ષેત્રની વ્યક્તિ સાથે વાત કરું અને તેમની પાસે યોગ્ય માહિતી લીધા બાદ તે સંગીત પ્રકારના દાયરા કે બંધારણમાં રહીને મારું કામ કરું.

તમે નર્મદની ઘણી રચના પરથી સંગીત તૈયાર કર્યું છે. આ પાછળ પણ નર્મદ કે સુરત પ્રત્યેનું આકર્ષણ તો નથી ને?

કદાચ હોઈ પણ શકે. પરંતુ નર્મદની રચનાઓ પરથી આલબમ તૈયાર કરવાની વાત ઘણા વખતથી ચાલતી હતી. હું જ્યારે આ આલબમ સાથે સંકળાયો ત્યારે મારા મનમાં એ હતું કે હું એવી વ્યક્તિ પર કામ કરી રહ્યો છું, જેણે એકએકથી ઉત્તમ રચનાઓ આપી હોવા છતાં તેના પર ઘણું ઓછું કામ થયું છે. એટલે એ રીતે પણ મને આ કામમાં સહભાગી થવાની ઈચ્છા હતી. તમે માનશો નહીં પરંતુ મને નર્મદની રચનાઓ પર કામ કરવાની મજા પણ બહું આવી. કારણ કે તે સમયની ભાષા અને વ્યાકરણ આજના સમય કરતા ઘણા અલગ હતા. પણ તેમની રચનાઓનો જે ફ્લો હતોને બોસ! ભાષાની આવી પ્રવાહિતા બહુ રેર જોવા મળે છે.

તમે સંગીતકાર ન હોત તો કયા ક્ષેત્રમાં હોત?

તો હું સારામાં સારો કૂક(રસોઈયો) હોત. મને કૂકિંગનો ઘણો શોખ છે અને મને મારા પરિવાર કે મિત્રો માટે ખાવાનું બનાવવાનું ઘણું ગમે છે. હા, જો કૂક પણ નહીં બની શક્યો હોત તો હું આજે કંઈ જ ન હોત!

બીજા સંગીતની સરખામણીએ ગુજરાતીઓ ગુજરાતી સંગીત કેમ ઓછું સાંભળે છે?

ગુજરાતી ગીતો ઓછા સંભળાય છે ની જે બૂમ પડે છે એની પાછળનું એક કારણ એ છે કે આપણે મુંબઈની કે બોલિવુડની ઘણા નજીક છીએ. મહારાષ્ટ્રની જગ્યાએ આપણે બંગાળની બાજુમાં હોત તો હું દાવા સાથે કહી શકું કે બંગાળીઓ પણ આપણું સંગીત જ સાંભળતાં! પરંતુ બોલિવુડની નજીક હોવાથી આપણા સંગીતને ઘણી અસરો થઈ છે. પણ હવે પરિસ્થિતિ થોડેઘણે અંશે બદલાઈ રહી છે. આજે કોઈપણ ગુજરાતી કાર્યક્રમ હોય તો એમાં વીસથી બાવીસ ગીતો જ એવા છે, જે આપણે વર્ષોથી સાંભળી રહ્યા છીએ. કેટલાક ગીતો તો એવા છે, જે આપણે ચાળીસથી વધુ વર્ષોથી સાંભળી રહ્યા છીએ. આવું કેમ થયું? કારણકે આપણે ત્યાં વચ્ચેનો એક મોટો ગાળો એવો ખાલી ગયો જેમાં કોઈ જ પ્રકારનું સર્જન નહીં થયું. પણ બોલિવુડમાં નવું નવું આવતું ગયું અને તેમણે મ્યુઝિક ક્રિએશનની બાબતે પણ કેટલાક પરિવર્તનો સ્વીકાર્યા. આપણે પણ પરિવર્તનો સ્વીકારીને આજની પેઢી આજનું સંગીત આપીશું તો એનો સ્વીકાર થશે જ. આપણે કેમ સેક્સોફોનનો કે ગિટાર કે ડ્રમનો ઉપયોગ નહીં કરી શકીએ? હું તો કહું તો આખુ ગીત અંગ્રેજીમાં લખો અને એમાં ગુજરાતી શૈલીનું સંગીત આપો. લોકો એને પણ સ્વીકારશે. પરંતુ આ માટે રિસ્ક લેવું પડે અને એ લેવા કોઈ તૈયાર નથી. આમાં વધુમાં વધુ શું થાય? નિષ્ફળ જવાશેને? એનાથી વિશેષ કંઈ ખોટ જાય ખરી? તો પ્રયોગો કરોને યાર. પ્રયોગો શું કામ નથી કરતા? થોડા વર્ષો અગાઉ મેં ‘પાન લીલું જોયું’નું રિમેક કરેલું. ગીતના શબ્દો એ જ પણ રજૂઆત થોડી અલગ રીતે કરી અને લોકોને તે ખૂબ ગમ્યું. ઈવન પુરુષોત્તમકાકા (ઉપાધ્યાય) પણ એ સાંભળીને ઘણા ખુશ થયેલા. એટલે મૂળ મુદ્દો પરિવર્તન સ્વીકારવાનો અને પ્રવાહથી ફંટાઈને કંઈક અલગ કરવાના અભિગમનો છે. આવું કંઈક થાય તો આપણા યુવાનોના મોબાઈલમાં પણ ગુજરાતી ગીતો ફીડ હશે અને તેઓ કાનમાં ઈયરફોન નાંખીને આપણું મ્યુઝિક એન્જોય કરતા હશે.

બીજું એ કે આપણા સંગીતમાં કંઈક અંશે સેન્સિબિલિટીનો અભાવ છે. સંગીત ભાવપ્રધાન હોવું જોઈએ ત્યારે કેટલાક લોકો દ્વિઅર્થી બાબતોનો વધુ ખ્યાલ રાખે છે.  ઉપરાંત જે બાબતને જેટલો સમય અપાવો જોઈએ એટલો સમય નથી અપાતો અને ઉતાવળે કોઈ ઝિંગલની જેમ ગીતો તૈયાર થાય તો દાટ વળે જ. એટલે આપણા ક્રિએશનમાં ભાવ-સંવેદના ઉમેરવામાં આવે અને કામમાં જીવ રેડી દેવામાં આવે તો સો ટકા સારું સર્જન થાય. ઉપરાંત સંગીતમાં સૂરની સાથે ભાષા પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. એટલે કે તમે માત્ર વેપારને ખાતર ગમે એવા શબ્દોનો ઉપયોગ કરો તો એ નહીં ચાલે. આપણે માણસ છીએ અથવા આપણે સમાજમાં જીવીએ છીએ એ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે અને એ રીતે જ આપણું ગીત પણ તૈયાર કરવું જોઈએ. આપણા સંસ્કારો સાથે કોઈ પણ કાળે બાંધછોડ થવી જોઈએ નહીં. જોકે હું સંસ્કારને નામે જૂનવાણી અથવા બૌદ્ધિક કસરત કરવી પડે એવા ગીતની તરફેણમાં પણ નથી. પરંતુ સરળ શબ્દોમાં પણ સારી વાત કરી જ શકાય છે. એટલે બે-ત્રણ ભારે અને બે-ત્રણ હળવા એ પ્રકારના ગીતો તૈયાર કરવા જોઈએ.

આજે જે કંઈ ગુજરાતી સંગીત સંભળાઈ રહ્યું છે એનો શ્રેય પુરુષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઈ, અવિનાશ-ગૌરાંગ વ્યાસ કે મનહર ઉધાસ જેવા લોકોને જાય છે. આજે તો આપણી પાસે રેકોર્ડિંગ્ઝના એક એકથી ચઢિયાતા સાધનો છે પરંતુ, જ્યારે કોઈ જ સુવિધા ન હતી ત્યારે આ સંગીતકારો-ગાયકોએ આપણને ઉત્તમ સંગીત પીરસ્યું હતું.

તમારા જીવનમાં કોઈકનો પ્રભાવ હોય એવું ખરું?

આમ પ્રભાવ જેવું તો નહીં પરંતુ હું એક વાત ચોક્કસ કહીશ કે તમારા જીવનમાં કેટલીક વ્યક્તિઓ તેમનો અમૂલ્ય ફાળો આપતી હોય છે. મારા જીવનમાં તેમજ મારી સફળતાઓમાં મારા માતા-પિતા તેમજ કેટલાક મિત્રો અને મારી પત્ની નૂતનનો અનન્ય ફાળો રહ્યો છે. આ ઉપરાંત હું મુકુલ ચોક્સીનો વિશેષ આભાર માનીશ. આમ તો તેઓ મારા મિત્રસમા છે, પરંતુ હું એમને ગોડફાધર માનું છું. મારા જીવનમાં અનેક તબક્કે તેઓ મારી પડખે ઊભા રહ્યા છે અને તેમણે મને માર્ગદર્શન આપ્યું છે. જીવનમાં આવી વ્યક્તિઓ મળી જાય ત્યારે જીવન વધુ અર્થસભર અને સુંદર બની જતું હોય છે. ■